કપરાડા તાલુકાના ૨૦ નિવૃત્તિ શિક્ષકોને હક્કના નાણાં ન મળતા રોષ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૨૯ ઃ કપરાડા તાલુકાના અંદાજે ૨૦ જેટલા શિક્ષકોને ઍનપીઍસ માંથી જીપીઍફમાં સમાવેશ થયા બાદ પણ આજદિન સુધી નિવૃત્તિને લગતા કોઈપણ પ્રકારના નાણાકીય લાભો મળ્યા નથી. છેલ્લા સાતથી આઠ મહિનાથી નિવૃત્ત થયેલા શિક્ષકોને પેન્શન, ગ્રેચ્યુટી, જૂથ વીમાની રકમ, રજા રોકડ (લીવ ઍન્કેશમેન્ટ) તેમજ ટ્રાવેલ ઍલાઉન્સ સહિતના હક્કના નાણાં ચૂકવવામાં આવ્યા નથી.નિયમો મુજબ નિવૃત્તિ બાદ સમયસર તમામ નાણાકીય લાભો મળવા જોઈઍ, પરંતુ લાંબા સમયથી ચૂકવણી અટવાઈ જતાં શિક્ષકો અને તેમના પરિવારજનોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. નિવૃત્તિ બાદ નિયમિત આવકનું કોઈ સાધન ન હોવાથી અનેક શિક્ષકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. રોજિંદા ખર્ચ, સારવાર તેમજ પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાનું શિક્ષકોનું કહેવું છે.
શિક્ષકોનું કહેવું છે કે સંબંધિત કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી થઈ નથી. પરિણામે નિવૃત્ત શિક્ષકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.
આ સંદર્ભે શિક્ષકોઍ રાજ્ય સરકાર તેમજ સંબંધિત વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી તમામ બાકી રહેલા પેન્શન અને નિવૃત્તિના નાણાકીય લાભો વહેલી તકે ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. જો સમયસર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં યોગ્ય કાર્યક્રમો દ્વારા પોતાની રજૂઆત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
