વલસાડમાં સફાઈનો કોન્ટ્રાક્ટ છતાં પાલિકાના કર્મચારી સફાઈ કરે છે
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૯ ઃ વલસાડ શહેરમાં સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વલસાડ નગરપાલિકાના સફાઈના વહીવટમાં કરોડો રૂપિયાના લોલંલોલ ચાલતા હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવા માટે ૩.૭૦ કરોડ અને અન્ય સફાઈ કામગીરી માટે ૮૦ લાખ મળી કુલ ૪.૫૦ કરોડના તોતિંગ કોન્ટ્રાક્ટ ખાનગી ઍજન્સીઓને આપવામાં આવ્યા છે. આમ છતાં, આડ્ઢર્યજનક રીતે શહેરની તમામ સફાઈ નગરપાલિકાના પોતાના જ સફાઈ કર્મચારીઓ પાસે કરાવવામાં આવી રહી હોવાથી જનતાના ટેક્સના કરોડો રૂપિયા ક્યાં જઈ રહ્ના છે તે ઍક મોટો સવાલ ઊભો થયો છે.
સ્થાનિક સૂત્રો અને પ્રા વિગતો અનુસાર, વલસાડ શહેરમાં દિવસે કે રાત્રિ દરમિયાન ઍજન્સીના માણસો નહિવત માત્રામાં કચરો ઉઠાવતા દેખાય છે. મોટાભાગનો કચરો ઉપાડવાનું અને સફાઈ કરવાનું તમામ કામ નગરપાલિકાના કાયમી કે રોજમદાર માણસો જ કરી રહ્ના છે. જો તમામ કામગીરી પાલિકાના તંત્ર દ્વારા જ થતી હોય, તો પછી ખાનગી ઍજન્સીઓને કરોડો રૂપિયાની લહાણી શા માટે કરવામાં આવી રહી છે. તે બાબત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. સફાઈ ઍજન્સીની નબળી કામગીરી અને કલેક્શનના નામે ચાલતી બૂમરાણને પગલે થોડા સમય પહેલા પાલિકાના જ ૨૦થી વધુ સભ્યોઍ પાલિકાના સત્તાધીશો સામે બાયો ચડાવી હતી અને ઉગ્ર મોરચો માંડ્યો હતો. પરંતુ રહસ્યમય સંજોગોમાં આ તમામ સભ્યો અચાનક જ શાંત થઈને બેસી જતાં શહેરીજનોમાં અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. મોરચો માંડનારા સભ્યોનું રાતોરાત હૃદય પરિવર્તન કયા કારણોસર થયું અને તેઓ કેમ મૌન થઈ ગયા, તે પણ તપાસનો વિષય બન્યો છે.પાલિકાના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, કરોડો રૂપિયાના આ સફાઈ કોન્ટ્રાક્ટમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, સેનિટરી ચેરમેન કે બાંધકામ ચેરમેન સહિતના પદાધિકારીઓની મોટી મિલીભગત હોવાની સ્પષ્ટ આશંકા દેખાઈ રહી છે. સભ્યોના ઍકાઍક મોળા પડી જવાથી ઍજન્સી અને પાલિકાના વહીવટકર્તાઓ વચ્ચે પડદા પાછળ કોઈ મોટી ગોઠવણ થઈ હોવાની ચર્ચાઍ જોર પકડ્યું છે.ઍજન્સી કામ ન કરતી હોવા છતાં તેને ચૂકવાતા લાખો-કરોડો રૂપિયા ઍ પ્રજાના નાણાંનો ખુલ્લેઆમ બગાડ અને ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો થઈ રહ્ના છે. વલસાડની જનતા હવે આ સમગ્ર કૌભાંડની કોઈ નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય ઍજન્સી દ્વારા તપાસ થાય તેવી માંગ કરી રહી છે. જો સત્વરે આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
