ઉમરગામમાં ખેડૂતોની જમીન પર દબાણ અંગે રાવ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૯ ઃ તા. ૨૯/૦૬/૨૦૨૬ના રોજ ગામના વેલુપાડા, ડોહરપાડા, બ્રહ્મણપાડા સહિતના વિસ્તારોના આદિવાસી ખેડૂતોની જમીન પર થઈ રહેલા કથિત અતિક્રમણના મુદ્દે ગામના વિવિધ ફળિયાના ભાઈઓ-બહેનોઍ ઍકત્રિત થઈને ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રના અનુસંધાનમાં ગ્રામ પંચાયત દ્વારા ટૂંક સમયમાં ગ્રામસભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામસભામાં જમીનના વેચાણ-ખરીદી સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ ગામમાં કોઈ બહારની કંપની અથવા અન્ય વ્યક્તિ દ્વારા જમીન ખરીદવામાં આવતી હોય તો તેની જાણ ગ્રામ પંચાયતને કરવામાં આવે તેવી વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવશે.
ગ્રામજનોનું માનવું છે કે જમીન ખરીદનાર ખેડૂત છે, બિનખેડૂત છે કે અન્ય કોઈ વ્યક્તિ છે તેની માહિતી ગ્રામ પંચાયત અને ગામના લોકોને મળવી જરૂરી છે, જેથી જમીનના વ્યવહારોમાં પારદર્શિતા જળવાઈ રહે અને સ્થાનિક ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે. ગ્રામ પંચાયત દ્વારા આવેદનપત્ર સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે. આગામી ગ્રામસભામાં સર્વાનુમતે નિર્ણય લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
