આજે ભીલાડ રેલવે અંડરપાસનું લોકાર્પણ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલની સક્રિયતા અને પ્રયાસોને કારણે ભીલાડ વિસ્તારનો વર્ષો જૂનો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. ભીલાડ ખાતે છેલ્લા લાંબા સમયથી અધૂરું રહેલું રેલવે અંડરપાસનું કામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે, જેનું આજે તારીખ ૩૦મી જૂનના રોજ લોકાર્પણ કરવામાં આવશે. આ અંડરપાસ શરૂ થતાં જ સ્થાનિક જનતાને રોજબરોજની ટ્રાફિકની હાલાકીમાંથી ખૂબ મોટી રાહત મળશે.
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે રેલવે અંડરપાસનું કામ ટેકનિકલ કે અન્ય કારણોસર અટકેલું હતું, જેને ગંભીરતાથી લઈને સાંસદ ધવલભાઈ પટેલે વ્યક્તિગત રસ દાખવ્યો હતો. તેમણે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વખતોવખત રૂબરૂ મુલાકાત લઈને લેખિત તેમજ મૌખિકમાં ધારદાર રજૂઆતો કરી હતી. મંત્રી સ્તરે રજૂઆતો કરવાની સાથે-સાથે સાંસદઍ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સતત જીવંત સંપર્ક જાળવી રાખ્યો હતો અને કામગીરી ઝડપભેર થાય તે માટે સતત ફોલોઅપ લીધું હતું. સાંસદના શનિષ્ઠ પ્રયાસોને કારણે આ રેલવે અંડર પાસ બનીને તૈયાર થઈ જતા આજે તારીખ ૩૦મી જૂનના રોજ સવારે ૧૧ કલાકે આ નવનિર્મિત રેલવે અંડરપાસને આમ જનતાની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ના પ્રભારીમંત્રી નરેશભાઈ પટેલ, લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે આ અંડરપાસ ખુલ્લો મુકાતાં જ ભીલાડ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના હજારો વાહનચાલકો અને નાગરિકોનો સમય અને ઇંધણ બચશે. લાંબા સમયથી ટ્રાફિક જામની જે મોટી સમસ્યા સર્જાતી હતી, આમ ભીલાડના અંદર પાસ બનાવવાની જૂની સમસ્યાનો ઉકેલ આવશે.
