પારડી તા.પં.ની પ્રથમ સામાન્યસભા યોજાઈ
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ૨૨ માંથી ૨૨ બેઠક વિજય થયા બાદ આજરોજ પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ ભગોરા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ તથા તમામ તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી.
આ પ્રથમ સામાન્ય સભામાં ઍજન્ડા પરના કામોની શરૂઆત ટીડીઓ સંદીપભાઈઍ કરાવી હતી. પંચાયત શાખાના અધિકારી વિશાલભાઈઍ ઍજન્ડા પરના કામો વાંચી સંભળાવ્યા હતાં. જેમાં નવી કારોબારી સમિતિની રચના જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે તરીકે હેમલતાબેન મહેશભાઈ ટંડેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલની નિમણૂંક કરાઈ હતી.
તાલુકા પંચાયતના ઇલેક્શન બાદ ચૂંટાયેલી બોડીને હવે સંપૂર્ણ જવાબદારીઓ મળી ગઈ છે. આ પહેલા પારડી ભાજપ સંગઠનની સંકલનની બેઠક યોજાઈ હતી.
આમ તાલુકા પંચાયત પારડીમાં ચૂંટાઈ આવ્યા બાદ હવે આજથી સત્તા સોંપણી મળ્યા બાદ તમામ સભ્યો પોતાના વિસ્તારના કામોને વેગ આપશે.
