Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

ધરમપુરના મધુરીમાં દિપડાનો ખેડૂત પર હિંસક હુમલો

ધરમપુરના મધુરીમાં દિપડાનો ખેડૂત પર હિંસક હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ  ધરમપુર તાલુકાના અંતરિયાળ મધુરીગામમાં બુધવારે બપોરે દીપડાઍ હિંસક હુમલો કરતાં ૫૯ વર્ષીય હરિભાઈ બનસ્યાભાઈ પવાર રહે. નીચલું ફળિયું, મધુરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે મધુરી ગામમાં આશરે ૧૫ દિવસ અગાઉ જ જંગલી ડુક્કરના હુમલામાં બાળકો સહિત ૯ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે ઘટનાનો ભય હજુ ગ્રામજનોના મનમાંથી દૂર થયો નથી, ત્યાં હવે દીપડાના હિંસક હુમલાની બીજી ઘટના સામે આવતાં સમગ્ર ગામમાં ફરી ભયનો માહોલ છવાઈ ગયો છે.
પ્રા માહિતી મુજબ હરિભાઈ પવાર બપોરે આશરે ૨ વાગ્યે મધુરીગામ નજીક આવેલા માંડવાચી માળી વિસ્તારમાં પાડા (ઢોર )માટે લીલો ચારો લેવા ગયા હતા. તે દરમિયાન અચાનક દીપડાઍ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથા, ખભા તેમજ બંને હાથના પંજાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા.
બૂમાબૂમ સાંભળી આસપાસના ગ્રામજનો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત હરિભાઈને સૌપ્રથમ પીંડવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં ગામના પટેલ અને સામાજિક કાર્યકર રમેશભાઈ ભોયાઍ પંગારબારી રેન્જના આરઍફઓને તાત્કાલિક જાણ કરી હતી. સાથે જ દીપડાને પકડવા ઘટના સ્થળ નજીક પાંજરું મુકવાની તેમજ ગ્રામજનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે પંગારબારી રેન્જના આરઍફઓ ભૂમિકા પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં દીપડાની વધતી અવરજવર અને હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે.