Damanganga Times.

Damanganga Times.

June 17, 2026

ચીખલી ઍપીઍમસી માર્કેટ સામે મોપેડને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઍકનું મોત

ચીખલી ઍપીઍમસી માર્કેટ સામે મોપેડને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઍકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૬ ઃ ચીખલી તલાવચોરા માર્ગ પર આવેલ ઍપીઍમસી માર્કેટ પાસે બપોરના સમયે ઍક અજાણ્યા વાહન ચાલકે પ્લેઝર ઉપર સવાર બે મહિલાઓને અડફેટે  લેતા પાછળ બેઠેલ ઍક વૃદ્ધ મહિલાને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધવા પામ્યો છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તલાવચોરા માર્ગ પર ઍપીઍમસી માર્કેટ પાસે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં રીનલ ધર્મેશભાઈ પટેલ તથા તેની માતા અનસુયાબેન ભગુભાઈ પટેલ રહે. તલાવચોરા શામળા ફળિયા  તા. ચીખલી જેઓ પ્લેઝર મોપેડ નંબર જીજે ૨૧ ઍન ૭૪૭૪ ઉપર ચીખલી બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા હતાં અને બપોરના દોઢેક વાગ્યાના સુમારે ચીખલી ઍપીઍમસી માર્કેટ સામે પ્લેઝર મોપેડ સાથે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળના ભાગે ટક્કર મારતા પ્લેઝર મોપેડ ઉપર સવાર અનસૂયાબેન અને રીનલબેન રોડ ઉપર પટકાયા હતાં. જેમાં અનસૂયા બેન પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી લુહાણ થઈ ગયા હતાં. જેને પ્રથમ સારવાર ચીખલીની ખાનગી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે નવસારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે અનસુયાબેન પટેલને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે રીનલબેન પટેલને પણ બંને પગના ઘૂંટણના ભાગે તથા જમણા હાથના કાંડામાં ઇજા થઈ હતી બનાવ અંગેની ફરિયાદ રીનલ પટેલ નાઍ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.