વાપીમાં વીજ પુરવઠો ખોરવાતા મનપા કચેરીના કામો ઍક કલાક સુધી ઠપ્પ
- byDamanganga Times
- 17 June, 2026
(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપી મહાનગરપાલિકા કચેરીની સામે આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા સાથે ખામી સર્જાતા મનપા કચેરીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે જન્મ-મરણ નોંધણી વિભાગ, વેરા વિભાગ તેમજ અન્ય ઓનલાઈન સેવાઓનું કામકાજ અંદાજે ઍક કલાક સુધી ઠપ્પ થઈ જતાં કચેરીમાં આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ બપોરના સમયે ટ્રાન્સફોર્મરમાં જોરદાર અવાજ સાથે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઘટનાના પગલે મનપા કચેરીમાં વીજ પુરવઠો બંધ થઈ જતા કમ્પ્યુટર આધારિત તમામ કામગીરી અટકી ગઈ હતી. જન્મ પ્રમાણપત્ર, મરણ પ્રમાણપત્ર, મિલકત વેરા સંબંધિત કામો તેમજ અન્ય દસ્તાવેજી કામગીરી માટે આવેલા લોકો લાંબા સમય સુધી રાહ જોતા રહ્ના હતાં.
ઘટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આશરે ઍક કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો, જેના પગલે મનપાની વિવિધ શાખાઓમાં કામકાજ ફરી સામાન્ય બન્યું હતું.
અચાનક સર્જાયેલી આ ઘટનાને કારણે અરજદારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. લોકોઍ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં જનરેટર જેવી વૈકલ્પિક વીજ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
