Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

X-RAY ના ફોટોગ્રાફ પરથી વાંસદા પોસ્કો કેસનો વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો

X-RAY ના ફોટોગ્રાફ પરથી વાંસદા પોસ્કો કેસનો વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
બીલીમોરા, તા.૧૨ ઃ વાંસદા પોલીસ સ્ટેશનની ટીમે ટેક્નોલોજી અને તીક્ષ્ણ બુદ્ધિનો સચોટ ઉપયોગ કરીને અદભુત અને સંવેદનશીલ કામગીરી પાર પાડી હતી. વાંસદા વિસ્તારની ૧૫ વર્ષની ઍક આદિવાસી સગીર દીકરીને ભગાડી જઈ છેલ્લા ૫ મહિનાથી નાસતા ફરતા અને ઍક સંતાનના પિતા ઍવા પોક્સો ઍક્ટના આરોપી નરેન્દ્રભાઈ સોનીરાવ પવાર (ઉ.વ. ૨૧, રહે. જામલાપાડા, નીચલા ફળિયા, તા. વઘઈ, જી. ડાંગ) ને પોલીસે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા નવસારી પોલીસ અધીક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ વાંસદા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક હરેશ ચાંદુની સૂચનાથી વાંસદા પોલીસે આ ચકચારી ગુનાનો ભેદ માત્ર ઍક ઍક્સ-રે ના ફોટોગ્રાફ પરથી ઉકેલી નાખ્યો હતો.
આરોપી ગુનો આચરી પોતાનો મોબાઈલ બંધ કરી મહારાષ્ટ્રની દ્રાક્ષની વાડીઓમાં છુપાઈને કામ કરતો હતો. આ દરમિયાન પથરીના દુખાવાને કારણે તેણે ઍક ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં ઍક્સ-રે કરાવ્યો હતો, જેનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે તેની મૂળ પત્નીને મોકલ્યો હતો.
આ ફોટાની જાણ વાંસદા પોલીસને થતાં પી.આઈ. જયદીપસિંહ ચાવડા અને તેમની ટીમે ઝાંખા દેખાતા ઍક્સ-રે ના નીચેના ભાગે લખેલું સહ્નાદ્રી ડાયગ્નોસ્ટિક સેન્ટર વાંચી ઓનલાઈન તપાસ શરૂ કરી હતી.
મહારાષ્ટ્રમાં આવા આશરે ૨૨ જેટલા સેન્ટરોમાંથી કડીઓ જોડીને અંતે નાસિક જિલ્લાના પિંપલગાંવ ખાતે આવેલા સેન્ટર પરથી આરોપીની વિગતો મેળવી હતી. આ ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસે બસવંત ગામની દ્રાક્ષની વાડીમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો અને ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેની માતાને સોંપી માનવતાવાદી અભિગમ દાખવ્યો હતો. આ સફળ કામગીરી કરનાર પી.આઈ. જયદીપસિંહ ચાવડા, પીઍસઆઈ ઍ.ઍચ. પટેલ,ઍ.ઍસ.આઈ દીલીપ મીઠ્ઠલભાઈ,હેડકોન્સ્ટેબલ નીતીન હરીલાલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ગુલાબભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કાના માલાભાઈ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલી ઉત્તમભાઈ તથા ઍલ.સી.બી નવસારી સર્વેલન્સ સ્ટાફની સરાહનીય બુદ્ધિ-તિભાને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે.