ઉમરગામ પોલીસે થાણેથી વોન્ટેડ સોનીને ઝડપ્યો
- byDamanganga Times
- 13 June, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
ઉમરગામ, તા.૧૨ ઃ વલસાડ જિલ્લા પોલીસે નાસતા-ફરતા અને વોન્ટેડ ગુનેગારો વિરુદ્ધ ચલાવેલી ઝુંબેશ હેઠળ ઉમરગામ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાયેલો મુદ્દામાલ ખરીદનાર વોન્ટેડ સોની વેપારીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ સુમન ઉર્ફે સોનું ગુલ્લુ ગુદોસાના શેખની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે રાત્રિના સમયે ઍક મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ ઘડિયાળની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ચોરીનો સમગ્ર મુદ્દામાલ મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા વિમલ ઉર્ફે સોનુ મોતીલાલ ભગવતી સોનીને વેચી દેવામાં આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસતો-ફરતો હતો.
ઉમરગામ પોલીસને બાતમી મળી હતી કે આરોપી થાણેના વાગલે ઍસ્ટેટ વિસ્તારમાં સંસાર બેકરી પાસેની ગલીમાં છુપાયો છે. જેના આધારે પોલીસ ટીમે મહારાષ્ટ્રમાં જઈ સ્થાનિક સ્તરે વોચ ગોઠવી હતી અને સફળ ઓપરેશન હાથ ધરી આરોપી વિમલ સોનીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિમલ સોની સામે અગાઉ પણ ચોરીના મુદ્દામાલની ખરીદી અને ઘરફોડ ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે વાપી ટાઉન અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી સતત કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.
