ચાસામાં માટી ઉલેચતા ૧૭ હાઈવા અને ૪ પોકલેન્ડ સીઝ
- byDamanganga Times
- 13 June, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૨ ઃ ચીખલી તાલુકાના ચાસાગામે તળાવમાં ચાલતા માટી ખનન બાબતે નવસારી જિલ્લા કલેકટરને મળેલ ફરિયાદના આધારે ચીખલી પ્રાંત તેમજ ચીખલી મામલતદારે ચાસાગામે સ્થળ તપાસ આદરતા પરવાનગી કરતા વધુ માટી કાઢેલ હોવાનું જણાવતા અધિકારીઓઍ સ્થળ ઉપર જ ૧૭ જેટલા હાઇવા ટ્રક તેમજ ૪ પોકલેન્ડ મશીન સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રા માહિતી અનુસાર નવસારી જિલ્લા કલેકટર કચેરીને ફરિયાદ મળી હતી કે ચીખલી તાલુકાના ચાસાગામે આવેલ તળાવમાંથી પરવાનગી કરતા વધુ માટી કાઢવામાં આવી રહી છે. જે બાબતને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાની ઍ ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ, ચીખલી મામલતદાર હિરેન મૈસુરીયા અને સર્કલ સેહુલને સ્થળ તપાસ માટે મોકલતા સ્થળ ઉપર પરવાનગી કરતાં વધુ માટી કાઢેલ હોવાનું જણાય આવતા અધિકારીઓઍ આ બાબતે નવસારી આરટીઓ, ડીઍલઆર કચેરી તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સમગ્ર બનાવની વધુ તપાસ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી માટી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મર્યાદિત માત્રામાં માટી ખનનની પરવાનગી લઈને લાખો મેટ્રિક્ ટન માટી કાઢવામાં આવતી હોય છે. અમુક ઊંડાઈ સુધી જ માટી ખનનની પરવાનગી આપવામાં આવતી હોવા છતાં પણ માટી ખનન કરનાર તત્વો દ્વારા વધુ પડતી ઊંડાઈ કરી દેવામાં આવતી હોય છે. નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક ગામોમાં થયેલ માટી ખનનની પ્રવૃત્તિ બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો સરકાર ની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે.
