Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

કરવડમાં ભંગારના ૪ ગોડાઉનોમાં આગ

કરવડમાં ભંગારના ૪ ગોડાઉનોમાં આગ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી મહાનગર પાલિકા હદના કરવડ વિસ્તારમાં આવેલા ઍક ભંગારના ગોડાઉનમાં ગુરુવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતાં જ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાતા હતા, જોતજોતામાં આગે બાજુની અન્ય ૩ ગોડાઉન પણ ચપેટમાં લેતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આગની જાણ થતાં વાપી ફાયર વિભાગની ૫ થી ૬ ફાયર ટેન્ડર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયર કર્મચારીઓઍ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લીધી હતી. ભંગારના જથ્થામાં પ્લાસ્ટિકના ડ્રમ રબર અને અન્ય જ્વલનશીલ સામગ્રી મોટી માત્રામાં સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખવામાં આવેલ ભંગારનો મોટો જથ્થો આગમાં ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે કરવડ અને આસપાસના વિસ્તારોમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આવી ઘટનાઓને લઈને આગ સલામતીના નિયમોના પાલન સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોઍ સંબંધિત તંત્ર દ્વારા કડક તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.