વાપીમાં ‘પ્લાસ્ટિક ફ્રી વાપી’ અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત – પ્લાસ્ટિક ફ્રી વાપી અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા હતા.અભિયાન હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન સિંગલ-યુઝ પ્લાસ્ટિક સહિત અન્ય પ્લાસ્ટિક કચરાનો સંગ્રહ કરી તેના યોગ્ય નિકાલ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી. નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણમૈત્રી વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી. મહાનગરપાલિકાના અધિકારીઓઍ જણાવ્યું કે પ્લાસ્ટિક ફ્રી વાપી અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ બનાવવા માટે જનભાગીદારીને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નાગરિકો, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓઍ ભાગ લીધો હતો. મહાનગરપાલિકાઍ સૌને મળીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત વાપી બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું છે.
