મોરાઇમાં વીજ પોલ ધરાશાઈ થવાના આરે, અકસ્માતની ભીતિ
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી શહેરના મોરાઇ મુખ્ય માર્ગ પર આવેલો ઍક વીજપોલ હાલમાં જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્ના છે. પોલ ઍક બાજુ નમી ગયો હોવાથી સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ભારે વરસાદ અને પવનના કારણે આ પોલ કોઈપણ સમયે ધરાશાઈ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરાઇ માર્ગ પર દિવસભર વાહનોની અવરજવર રહે છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં જો વીજ પોલ તૂટી પડે તો જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન પહોંચવાની સંભાવના નકારી શકાય તેમ નથી. વાપી શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજ પોલ અને વીજ તાર જોખમી રીતે નમેલા હોવાનું જોવા મળે છે. ચોમાસા દરમિયાન આવા પોલ અને તાર વધુ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક લોકોઍ સંબંધિત વીજ વિભાગ અને તંત્રને તાત્કાલિક સર્વે કરીને જોખમી વીજ પોલને સીધા કરવા અથવા બદલવાની માંગ કરી છે.લોકોનું કહેવું છે કે કોઈ અઘટિત ઘટના બને તેની રાહ જોવાને બદલે પૂર્વ સાવચેતીના ભાગરૂપે તંત્રઍ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બની છે.
