કપરાડામાં ભવ્ય હિન્દૂ સંમેલન યોજાયું
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ કપરાડા તાલુકાના રામ મંદિર કપરાડા તેમજ હુડા ગામ (આંબાપાડા) સ્થિત વિઠ્ઠલ-રૂકમણી મંદિરે સમસ્ત હિન્દૂ સમાજના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય હિન્દૂ સંમેલન યોજાયું હતું. ગામના આગેવાનો, સરપંચ તથા યુવાનોના સહયોગ અને પૂજ્ય સંતોના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમ દરમિયાન હરિ પાઠનું ગાન કરવામાં આવ્યું, જેમાં ગામના ભક્તો, માતા-બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હરિ પાઠના ગાનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને ઉપસ્થિત ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવકના ના વલસાડ જિલ્લા કાર્યવાહ મહેશભાઈ પટેલ, જિલ્લા સહ કાર્યવાહ તેજસિંહભાઈ ભદોરીયા તેમજ જિલ્લા સેવા પ્રમુખ શ્યામભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. મહેશભાઈ પટેલ અને શ્યામભાઈ રાવલે પોતાના બૌધિક દ્વારા સંઘના ‘પંચ પરિવર્તન’ વિષય પર માર્ગદર્શન આપતાં સમાજને ઍકજૂટ બની સમાજહિતના કાર્યોમાં જોડાવા માટે સજ્જન શક્તિને આહવાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોમાં હરિભક્તિ સાથે દેશભક્તિનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, જે સમગ્ર સંમેલનની વિશેષતા બની હતી. ભક્તિ, સંસ્કાર અને ઍકતાનો સંદેશ આપતું આ હિન્દૂ સંમેલન કપરાડા તાલુકામાં ધાર્મિક તથા સામાજિક જાગૃતિ માટે મહત્વપૂર્ણ બન્યું હતું.
