રોલાગામના ૪૦૦ થી વધુ ગ્રામજનો કલેકટર કચેરીઍ ઉમટયા
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ ના રોલા ગામે ત્રણ લોકોની પંચાયત વિરુદ્ધ થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ આજરોજ સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો સહિત ૪૦૦થી વધુ ગ્રામજનો સરપંચના સમર્થનમાં જિલ્લા કલેક્ટર કચેરીઍ પહોંચી પંચાયતની કામગીરીને પારદર્શક ગણાવી સરપંચ ને સમર્થન જાહેર કર્યું હતું. વલસાડ તાલુકા ના રોલા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વહીવટી તંત્રને ત્રણ લોકો ઍ અરજી કરી હતી. આ આક્ષેપોને પગલે પંચાયતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજરોજ રોલા ગામની મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ ડેપ્યુટી સરપંચ ચિંતન પટેલ, સભ્ય જીનલ પટેલ સહિતના સભ્યો ૪૦૦થી વધુ ગ્રામજનોઍ આજરોજ વલસાડ જિલ્લા કલેકટર કચેરીઍ આવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જે અંગે સરપંચ પ્રિયંકાબેન પટેલે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા તમામ કામો ઓનલાઇન અને પારદર્શકૅ કરવામાં આવ્યા છે.
સરપંચ અને પંચાયતના સભ્યોઍ વિરોધીઓના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામના તમામ વિકાસના કાર્યો ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યા છે.
કામગીરીમાં સંપૂર્ણ પારદર્શકતા રાખવામાં આવી છે, જેના તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. માત્ર અંગત અદાવત કે, રાજકીય હેતુથી પંચાયતને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું છે. મોટી સંખ્યામાં ઉમટી પડી ગ્રામજનોઍ ઍકસૂરે પંચાયતની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોઍ માંગ કરી છે કે પંચાયતની ખોટી રીતે છબી ખરાબ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઍવી માંગ કરી છે.
