Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

અમલસાડ કાંયાતળાવ સ્થિત રામ મંદિર જીર્ણોધ્ધાર બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અમલસાડ કાંયાતળાવ સ્થિત રામ મંદિર જીર્ણોધ્ધાર બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ)

બીલીમોરા, તા.૧૬ ઃ અમલસાડના કૃષ્ણતળાવ (કાંયાતળાવ) ખાતે આવેલું ૧૩૩ વર્ષ જૂનું પૌરાણિક રામજી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના જીર્ણોધ્ધાર બાદ નવનિર્મિત મંદિરમાં ચતુર્થ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવાર થી રવિવાર સુધી ભવ્ય ધાર્મિક માહોલમાં યોજાયો હતો, જેમાં સેંકડો રામભક્તોઍ હાજરી આપી ધર્મલાભ મેળવ્યો હતો.

 અમલસાડ કૃષ્ણ તળાવ કાંયાતળાવ સ્થિત તેર દાયકા પૌરાણિક રામજી મંદિર જીર્ણોધ્ધાર બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન પરંપરાગત વૈદિક વિધિઓ સાથે ગણેશ પૂજન, માતૃકા પૂજન, વર્ધિની પૂજન, મંડપ પ્રવેશ, અગ્નિસ્થાપન, દેવસ્થાપન, પ્રાસાદ વાસ્તુ, સ્નપનવિધિ, શૈયાધિવાસ, ધાન્યાધિવાસ, શાંતિકપૌષ્ટિક હોમ, પ્રતિષ્ઠા કર્મ, પ્રતિષ્ઠા હોગ, ઉત્તરપૂજન અને મહાઆરતી સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમલસાડ ગામમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો અને જય શ્રી રામના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા હતા. ભક્તોમાં ઍવો ઉત્સાહ જોવા મળ્યો કે જાણે અમલસાડ અયોધ્યા બની ગયું હોય તેવો આનંદમય માહોલ સર્જાયો હતો.

શ્રી રામજી મંદિર અનાવિલ પંચ, જીર્ણોધ્ધાર સમિતિ તેમજ કૃષ્ણતળાવ  ગામ પરિવારના કાર્યકરોઍ સમગ્ર ગામને શણગારીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર પંથકમાંથી રામભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ મંદિરના જીર્ણોધ્ધાર માટે ગીરીશભાઈ વશી (રિલાયન્સ ફાઉન્ડેશન), પરિતોષ નાયક (ઍલ ઍન્ડ ટી), ભરતભાઈ બળવંતરાય નાયક અને ઍનવાયરો સુરતના માલિક નિમેષભાઈ વશી  સહિતના દાતાઓઍ ઉપસ્થિત રહ્ના હતા. આ પાવન અવસરે રામભક્તોઍ પણ ખોબે ખોબા ભરીને દાન આપી મંદિરને વધુ ભવ્ય બનાવવા યોગદાન આપ્યું હતું. મહાપ્રસાદનો આશરે ત્રણ હજારથી વધુ ભક્તોઍ લાભ લીધો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, બિલ્ડર ભરત સુખડિયા, અશોક ગજેરા અને ભાજપ મહામંત્રી જીગર દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.મુખ્ય દાતાઓ તેમજ મંદિરના જીર્ણોધ્ધાર અને રામયજ્ઞમાં તન-મન-ધનથી સેવા આપનાર સેવાભાવી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ ભક્તિ, ઉત્સાહ અને ડાયરા સાથે ધાર્મિક લાગણીથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો હતો.