ડાંગ જીલ્લામાં ૩,૨૨૦ બાળકો કુપોષિત
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
સાપુતારા, તા. ૧૬ ઃ ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન રાજ્યમાં પ્રવર્તતા કુપોષણના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ ધરાવતા વલસાડ અને ડાંગ જિલ્લામાં કુપોષિત બાળકોની આંકડાકીય માહિતીઍ ચિંતા જન્માવી છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, ૩૧/૦૧/૨૦૨૬ની સ્થિતિઍ બંને જિલ્લામાં કુપોષિત બાળકોની કુલ સંખ્યા જોઈઍ તો ડાંગ જિલ્લામાં કુલ ૩,૨૨૦ બાળકો કુપોષણથી પીડાય છે અને વલસાડ જિલ્લામાં કુલ ૭,૪૮૭ બાળકો કુપોષિત હોવાનું નોંધાયું છે. રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા ચિંતાજનક છે. ડાંગ જિલ્લાના આહવામાં કુપોષિત બાળકોની સંખ્યા ૧,૬૪૮ તથા સુબિર તાલુકામાં કુપોષિત બાળકોની સંખ્યા ૯૫૭ તથા વઘઈમાં ૬૧૫ ઍમ મળી કુલ કુપોષિત બાળકોની સંખ્યા ૩,૨૨૦ છે. વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ગૃહમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા હજુ પણ ગંભીર છે અને સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ પૂરતા નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને પૂરતો પૌષ્ટિક આહાર મળી રહ્ના નથી.બીજી તરફ, મહિલા અને બાળ વિકાસ મંત્રીઍ જણાવ્યું હતું કે, સરકાર કુપોષણને નાબૂદ કરવા માટે મક્કમ છે.
છેલ્લા ઍક વર્ષમાં વલસાડ જિલ્લામાં ૧૦,૨૮૯ અને ડાંગ જિલ્લામાં ૧,૮૮૦ બાળકો કુપોષણમાંથી મુક્ત થયા છે (ઘટાડો નોંધાયેલ છે. રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટીફાઈડ સુપોષિત આહાર આપવામાં આવે છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે જન્મ પહેલા અને જન્મ પછીના પ્રથમ ૧૦૦૦ દિવસ સુધી પૂરતો સુપોષિત આહાર પૂરો પાડવામાં આવે છે.સ્થાનિક સ્તરે આંગણવાડી કાર્યકરો દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે.
જોકે, હજુ પણ વલસાડ અને ડાંગના અંતરિયાળ તાલુકાઓ જેવા કે કપરાડા, ધરમપુર અને આહવા-સુબિરમાં આંકડાઓ ઊંચા હોવાથી સામાજિક સંસ્થાઓ અને વિપક્ષ દ્વારા આ દિશામાં વધુ નક્કર કામગીરીની માંગ કરવામાં આવી રહી છે.
