ખાંડાના નેત્રયજ્ઞમાં ૨૦૦ લોકોઍ આંખોની તપાસ કરાવી
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૬ ઃ ધરમપુર તાલુકાના ખાંડા ગામે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આર.ઍન.સી. ફ્રી આઈ હોસ્પિટલ, વલસાડના સંયુક્ત ઉપક્રમે તથા યુવા ગ્રુપ ખાંડા દ્વારા મફત નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા શિબિર ખાંડા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. આ નેત્ર નિદાન શિબિરમાં ખાંડા તથા આસપાસના વિસ્તારોમાંથી આશરે ૨૦૦ જેટલા લોકોઍ ઉત્સાહપૂર્વક હાજરી આપી પોતાની આંખોની તપાસ કરાવી હતી. આર.ઍન.સી. ફ્રી આઈ હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જરૂરિયાતમંદોને મફત ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખાંડા ગામના સરપંચ જયસિંગભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે આયોજિત સેવાકીય કાર્યની પ્રશંસા કરી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા યુવા ગ્રુપ ખાંડા દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં મિતેશભાઈ ગવળી, જીતેન્દ્રભાઈ ગવળી, અલ્પેશભાઈ ગાયકવાડ, દિલીપભાઈ ગાયકવાડ, હિતેન્દ્રભાઈ ગવળી તેમજ ભવાડા તલાટ ગામના જતેન્દ્રભાઈ ગાયકવાડ અને જયદીપભાઈ ગાયકવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સેવા આપી હતી.
ગ્રામજનોઍ આ નિઃશુલ્ક નેત્ર તપાસ શિબિર માટે આયોજકો તેમજ અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
