દમણ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૬ ઃ દમણ મહિલા મંડળ (ઓલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સ, નવી દિલ્હી) ના પ્રમુખ વર્ષા શાહ અને સેક્રેટરી છાયાબેનના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષા શાહની ગેરહાજરીમાં, મહિલા મંડળના સભ્યો દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપિકા ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવિની સનવાલાઍ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. મંડળના ઉપપ્રમુખ પુષ્પા ધુકાઍ મુખ્ય મહેમાનો અને ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું હતું. દમણ મહિલા મંડળના ઇતિહાસને યાદ કરતાં, પુષ્પા ધુકાઍ સ્વપ્નદ્રષ્ટા પ્રભાબેન શાહ (પદ્મશ્રી પુરસ્કાર વિજેતા) ના યોગદાન રજૂ કર્યા હતા. તેમણે પ્રભાબેન શાહને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્ય મહેમાન ડીઍમસીના પ્રમુખ દીપિકા ટંડેલે મહિલા શક્તિ પર પ્રકાશ પાડવા વિશે વાત કરી હતી અને મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. શિતલબેન પટેલ અને વકીલ સોહિની ભંડારીઍ પણ મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા દિવસ કાર્યક્રમ દરમિયાન, પ્રજ્ઞા સંસ્કૃતિ ઍકેડેમીના ડિરેક્ટર જાન્હવી દેસાઈના નેતૃત્વમાં નાના બાળકોઍ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. વિવિધ ક્ષેત્રની મહિલાઓને પ્રમાણપત્રો અને શાલ આપીને સન્માનિત કરવામાં આવી હતી. નર્સો, શિક્ષકો, પોલીસ કોન્સ્ટેબલો, યોગ ગર્લ્સ, આશા વર્કર્સ અને સિલ્વાન દીદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન જયશ્રી ડાંગોદરા અને નીતા મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વર્ષા રાણાઍ આભાર વ્યક્ત કર્યો હતો.
