વલસાડમાં કેરીના પાક પર કુદરતી આફતની માઠી અસર
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ જિલ્લો વિશ્વવિખ્યાત આફૂસ કેરીથી જાણીતો બન્યો હોય ત્યારે બદલાતા હવામાનના કારણે આંબાવાડીમાં આ વર્ષે પાક ઓછો નીકળશે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હજુ આફૂસ કેરીને માર્કેટમાં ઉતરતા વાર લાગે ત્યારે વલસાડના હાઇવે પર રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું છે.
વિશ્વવિખ્યાત હાફૂસ કેરીના ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરીના રસિયાઓ અને ખેડૂતો બંને માટે ચિંતામાં મુકાયા છે. બદલાતા હવામાન અને કુદરતી પરિબળોને કારણે જિલ્લાના મુખ્ય પાક ઍવી કેરીને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ અને આવક બંને પર અસર જોવા મળી રહી છે.
વલસાડની હાફૂસ તેની મીઠાશ અને સુગંધ માટે વિશ્વભરમાં જાણીતી છે. જોકે, આ વર્ષે મોસમી વરસાદ, કમોસમી ઝાપટાં અને અસહ્ના ગરમીના મિશ્ર વાતાવરણને કારણે આંબાના મોર ખરી પડ્યા છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતા છે. ખેતી ખર્ચ સામે વળતર ઓછું મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક હાફૂસની આવક મોડી થવાની ભીતિ સેવાઈ રહી છે. વલસાડની સ્થાનિક કેરીની અછત વચ્ચે મહારાષ્ટ્રની પ્રખ્યાત રત્નાગીરી હાફૂસ ઍ બજારમાં વહેલી ઍન્ટ્રી કરી લીધી છે. વલસાડના નેશનલ હાઈવે પર ઠેર-ઠેર રત્નાગીરી હાફૂસના સ્ટોલ જોવા મળી રહ્ના છે. હાલમાં હાઈવે પર આ રત્નાગીરી હાફૂસ કેરી ૩૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. શરૂઆતની સીઝન હોવાથી ભાવ ઊંચા છે. છતાં કેરીના શોખીનો સીઝનનો પ્રથમ સ્વાદ માણવા માટે આ મોંઘી કેરી ખરીદતા જોવા મળી રહ્ના છે. આવનારા દિવસોમાં જો વાતાવરણ સ્થિર થશે તો જ સ્થાનિક કેરી બજારમાં પૂરતા પ્રમાણમાં જોવા મળશે, અન્યથા આ વર્ષે કેરીના ભાવ સામાન્ય જનતા માટે ખાટા સાબિત થઈ શકે છે.
