આંતલિયા ગ્રા.પં.ની અંતિમ ચેતવણી ઃ બાકી વેરો નહીં ભરો તો મિલકત સીલ થશે
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૧ ઃ આંતલિયા ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવતા તમામ બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. પંચાયત દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે મિલકતધારકોનો વેરો બાકી છે, તેઓઍ આ નોટિસ મળ્યાના માત્ર ૨ દિવસમાં સંપૂર્ણ રકમ પંચાયત કચેરીઍ જમા કરાવી દેવી.
જો નિયત સમય મર્યાદામાં વેરો ભરવામાં કસૂરવાર જણાશે તો ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમો હેઠળ પંચાયત દ્વારા આપવામાં આવતી તમામ પાયાની સુવિધાઓ તાત્કાલિક અસરથી કાપી નાંખવામાં આવશે.
ગામના વિકાસના કામોમાં અવરોધ ન આવે તે હેતુથી પંચાયત તંત્ર હવે કડક ઍક્શન મોડમાં આવ્યું છે. બાકી વેરો વસૂલવા માટે પંચાયત દ્વારા મિલકત પર બોજો લાદવા, મિલકત ટાંચમાં લેવા અથવા મિલકતને સીલ મારવા સુધીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના માર્ચ મહિના પહેલા તમામ લેણી રકમની વસૂલાત કરવા માટે સરપંચ જયેશ પટેલ અને તલાટી કમ મંત્રી નિલય પટેલ દ્વારા આદેશ જારી કરી દેવામાં આવ્યા છે, તેથી કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે જીથી બચવા માટે ગ્રામજનોને સત્વરે વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.આ કડક કાર્યવાહીમાં ગ્રામ પંચાયત આંતલિયાના સભ્યઓ પણ જોડાયા હતાં.
