આહવા ઍસ.ટી. ડેપો દ્વારા પરીક્ષા ન હોવા છતાં વધારાની બસો દોડાવાતાં મુસાફરોને હાલાકી
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૧ ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઍસ.ટી. ડેપોના ગેરવહીવટના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની પરીક્ષાના નામે જરૂરિયાત કરતાં વધુ અને પરીક્ષા ન હોય તેવા રૂટ પર પણ બસો દોડાવવામાં આવતા સ્થાનિક મુસાફરોમાં રોષ જોવા મળી રહ્ના છે. આહવા ઍસ.ટી. ડેપો વિભાગ દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી હતી.આ વ્યવસ્થા માટે આહવા ડેપોઍ અન્ય ડેપોની પણ મદદ લીધી હતી. જોકે સ્થાનિકો દ્વારા ઍવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે,જ્યાં અંદાજે માત્ર ૮ બસોની જરૂરિયાત હતી, ત્યાં ડેપો દ્વારા ૧૪ જેટલી બસો દોડાવવામાં આવી હતી.જે કેન્દ્રો પર આજે પરીક્ષા યોજાઈ ન હતી, ત્યાં પણ બસો મોકલવામાં આવતા અનેક બસો ખાલી દોડી હતી.
પરીક્ષાના નામે બસોના આડેધડ ફાળવણીને કારણે આહવા અને ડાંગના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સામાન્ય મુસાફરોને બસ સેવા ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સમગ્ર વિવાદ અને ખાલી બસો દોડાવવાના આક્ષેપો અંગે આહવા ઍસ.ટી. ડેપોના મેનેજર યોગેશભાઈ ગોસ્વામીઍ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ૅવિદ્યાર્થીઓનું હિત અમારા માટે પ્રાથમિકતા છે. કદાચ ધોરણ ૧૦નું પેપર ન હોય, તો પણ ધોરણ ૧૨ની પરીક્ષા તો ચાલુ જ હોય છે.અંતરીયાળ ગામડાઓના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તે હેતુથી જ બસોની વ્યવસ્થા કાર્યરત રાખવામાં આવી છે. ઍક તરફ જ્યારે ઍસ.ટી. નિગમ ખોટમાં હોવાની વાતો વહેતી હોય છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે બિનજરૂરી બસો દોડાવીને ડીઝલનો ધુમાડો કરવા બદલ અને નબળા આયોજન બદલ તંત્ર સામે સવાલો ઉઠી રહ્ના છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
