આજે વાપી મનપાનો સેવા સેતુ કાર્યક્રમ
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ ગુજરાત સરકારની રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોની ઉકેલની ઝડપ વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે તા.૧૨-૩-૨૦૨૬ને ગુરૂવારના રોજ વાપી મહાનગરપાલિકા દ્વારા સ્ટેજ પર આવેલ સિનિયર સિટીઝન હોલમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અરજદારો સવારે ૦૯ઃ૦૦થી બપોરે ૦૨.૦૦ કલાક સુધીમાં વ્યક્તિગત અરજી કરી શકશે. આ માટે અરજદારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે માટે તેઓઍ સવારે ૦૯ઃ૦૦થી બપોરે ૦૨ઃ૦૦ કલાક સુધી કરવાનું રહેશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરજનોને આધારકાર્ડની સેવાઓ રાશનકાર્ડમાં સુધારો / વધારો અંગેની સેવાઓ, આવકનો દાખલો/ જાતિનો દાખલો/ ડોમીસાઈલ દાખલો/ નોન ક્રીમીલેયરનો દાખલો સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય હેઠળની અરજીઓ, જન ધન યોજના, વીજ કનેકશનને લગતી સેવાઓ, આયુષ્યમાન કાર્ડને લગતી અરજીઓ મ્યુનિસિપલ સેવાને લગતી વ્યક્તિગત રજુઆતો જેવી કે જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તાધારા/વ્યવસાય વેરાની લગતી સેવાઓ, આકારણી પત્રક, મિલકત ટ્રાન્સફર, ઝોન પ્લાન વિગેરે સેવાઓ અંગે રજૂઆત પણ કરી શકાશે. આ અંગે તમામ સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી પ્રમાણપત્ર આપશે.
