Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

ગણદેવીમાં રખડતા શ્વાનોઍ બાળકને બચકા ભરતાં ગંભીર

ગણદેવીમાં રખડતા શ્વાનોઍ બાળકને બચકા ભરતાં ગંભીર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૯ ઃ ગણદેવી શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં બે માસૂમ બાળકો પર શ્વાનોઍ હુમલો કરતા ચકચાર મચી હતી. જેમાં ઍક બાળકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ૧૭ ટાંકા લેવા પડ્યા હતાં. બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનામાં સરકારી હોસ્પિટલમાં કુલ ૧૫૩ ડોગ બાઈટના કેસ નોંધાતા સમસ્યા ગંભીર બની છે.

પ્રા વિગતો અનુસાર ગણદેવી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં જળદેવી માતા મંદિર નજીક પાંચ વર્ષીય માસૂમ બાળક પર ઍક શ્વાને અચાનક હુમલો કરી તેની ગરદન પાછળ બચકું ભર્યું હતું. જ્યારે બીજા બનાવમાં શહેરના પર્યટન સ્થળ તરીકે ઓળખાતા વડા તળાવની પાળ નજીક ઍક પાંચ વર્ષીય બાળકના માથાના ભાગે શ્વાને બચકાં ભરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ૧૭ ટાંકા લેવા પડ્યા હતાં.

ગણદેવી સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના આંકડા મુજબ ગત ડિસેમ્બર મહિનામાં ૫૫, જાન્યુઆરીમાં ૫૮ અને ફેબ્રુઆરીમાં ૪૦ મળી કુલ ૧૫૩ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા કેસો આ આંકડા કરતાં વધુ હોવાની ચર્ચા છે.

શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી હોવા છતાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ડોગ કન્ટ્રોલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. શહેરમાં શ્વાનોના ખસીકરણ (સ્ટેરિલાઈઝેશન) માટે પણ કોઈ સુવ્યવસ્થિત કામગીરી ન હોવાના આક્ષેપો ઉઠી રહ્ના છે. બીજી તરફ શહેરમાં ઠેર ઠેર શરૂ થયેલી ચીકન, મટન અને માછલી વેચાણ તથા રાંધવાની હાટડીઓમાંથી બાકી રહેલો વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે. જેના કારણે રખડતા કૂતરાઓને સરળતાથી ખોરાક મળી રહે છે અને તેમની સંખ્યા તેમજ હિંસક વૃત્તિમાં વધારો થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. શહેરમાં કચરા નિકાલ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા હોવા છતાં કેટલાક નોનવેજ વેપારીઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓના ઝુંડ બાઈક અને મોપેડ પાછળ દોડતા હોવાના બનાવો પણ વધી રહ્ના છે, જેના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે. વધતા જતા શ્વાન આતંકને ધ્યાનમાં લઈ ગણદેવી નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી શહેરવાસીઓમાં માંગ ઉઠી છે.